લાગણીનું ઝાડ !

                         . ઘણી વખત પરિવારના કોઈ સભ્ય ગેરહાજર હોય છે ત્યારે તેની ગેરહાજરી દરેકને ખૂબ અકળાવતી હોય છે,, પણ પરિવારથી દૂર થનાર આ સભ્યને તેનો અહેસાસ થાય ત્યારે કેવા લાગણી સભર દ્રશ્યો સર્જાય છે ,,! આ માટે મને લીઓ તોલ્સટોયએ લખેલી એક સરસ વાર્તા યાદ આવે છે

એક માણસને કોઈ કારણસર જેલની સજા થઈ. થોડા વર્ષો પછી તેની જેલમાંથી મુક્તિ થઈ.મુક્તિ પહેલાં એણે જેલમાંથી તેને ઘેર કાગળ લખ્યો. હું જેલમાંથી છૂટીને ઘરે આવી રહ્યો છું.મારો ભુતકાળ કલંકિત છે તે ધ્યાનમાં રાખીને તમે મને ફરી અપનાવવા માંગતા હશો કે નહીં એની મને ખબર નથી.આપણું ઘર રેલવેના પાટા પાસે છે.જો તમે મને ફરી અપનાવવા માંગતા હો તો આપણા ઘરના આંગણામાં જે વૃક્ષ છે તેની ઉપર દેખાય એ રીતે એક ઝંડી લગાવજો.એ ઝંડીને મારા સ્વાગતનું ચિહ્ન ગણીને હું સ્ટેશને ઉતરી જઈશ.જો તમે મને ફરી સ્વીકારવા માંગતા ન હો તો તમે વૃક્ષ પર ઝંડી નહિ લગાવતા.મને એનું જરાપણ ખરાબ નહિ લાગે; દુઃખ નહીં થાય.હું સ્ટેશને ઉતરીશ નહિ અને આટલી મોટી દુનિયા માં ક્યાંક ખોવાઈ જઈશ.

તે ગાડીમાં બારી પાસેની સીટ પર બેઠો હતો અને તેનું સ્ટેશન જેમ વધુ નજીક આવતું જાય તેમ તેનું મન આવેશથી ભરાતું જતું હતું.: શુ હશે ! ઝંડી લગાવી હશે કે નહીં લગાવી હોય ! તેની આંખ આંસુથી ભરાઈ જતી હતી.તેણે બાજુની બર્થ પર બેઠેલા પેસેન્જરને બધી વિગત જણાવીને કહ્યું કે તમે મારી જગ્યાએ બેસો અને જ્યારે મારા ઘર પાસેથી ટ્રેન પસાર થાય ત્યારે ઝાડ જોઈને મને કહેજો કે એના પર ઝંડી લગાવી છે કે નહીં. કારણકે મારી આંખો એટલી અશ્રુપૂર્ણ છે કે જો વૃક્ષ પર ઝંડી લગાવી હોય તો પણ કદાચ મને દેખાય નહિ.વળી કદાચ ઝંડી લગાવી ન હોય તો પણ મને ઝંડી લગાવી હોય એવો ભ્રમ થાય.

તે મુસાફર તે જેલમાંથી છુટેલાની જગ્યાએ બેસી ગયો…ગાડી તેના ઘર પાસેથી પસાર થઈ ગઈ.પેલો મુસાફર જે એની જગ્યાએ બેઠો હતો તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો.તેણે તેને કહ્યું, ભાઈ જે કાંઈ હોય તે મને કહી દો.હું પ રીહેલાંથી જ બંને રીતે તૈયાર છું.પેલા માણસ ની આંખમાંથી અશ્રુપ્રવાહ હજુ રોકાતો ન હતો.તેણે માંડ માંડ પોતાનું ગળું સાફ કર્યું ને બોલ્યો. ઝાડ પર એક ઝંડી નથી આખું ઝાડ ઝંડીથી ભરેલું છે.કદાચ એક ઝંડી તને ન દેખાય તો એવા ભયે આખું ઝાડ…. !!