ટોમી


કોઈ પણ માણસને તેનો ભૂતકાળ યાદ કરવો કે તેમના અતીતને વાગોળવું ખુબજ ગમતું હોય છે. એમાય જયારે બાળપણની વાત આવે ત્યારે માણસનું મન સ્મરણોના આકાશમાં વિહરવા લાગે છે.
મારી જ વાત કહું તો હું ૮-૧૦ વરસનો હતો ત્યારે ખુબજ તોફાની હતો. નિશાળેથી છુટીને લેસનની પરવા કર્યા વગર રમત-ગમત અને તોફાન મસ્તી કરવામાંજ દિવસ ક્યાં પસાર થઇ જાતો તે ખબર નહોતી પડતી.
આજ ના બાળકો ટી.વી. લેપટોપ કે કમ્પ્યુટરના કારણે ઘરની બહારજ નીકળતા નથી. ત્યારે એ વખત માં આવા કોઈ મનોરંજનના સાધનો જ હતા નહિ. એટલે ઘર આંગણાની રમતો ખુબજ લોકપ્રિય હતી. જેમકે આમલી પીપળી ગોળ-માટલી, કબડ્ડી, સંતાકુકડી, છુટ દડી વગેરે રમતો કોઈ પણ પ્રકારના આર્થિક વેરંટેઝ વગરની હતી. બપોરના ધોમ ધખતા તાપમાં રમત માટે માચીસના કે સિગારેટના ખાલી ખોખા શોધવા છેક બસ સ્ટેન્ડ સુધી પહોચી જતા. ચિંતા, ઉપાધી કે ટેન્શન કોને કેવાય એ ખબરજ નહોતી પડતી.
એ દિવસોમાં ટોમી નામના કુતરા સાથે મારે બહુ સારી દોસ્તી થઇ ગએલી. એ મારા ઘર પાસેજ રહેતો અને હું તેને રોજ ખાવાનું આપતો. અમે બે ચાર ટાબરિયાઓ ટોમીને બીજા કુતરાઓ સાથે લડાવતા અને એ લડાઈ જોવામાં અમોને ખુબજ આનંદ આવતો. ટોમી ને છુ.. છું.. છું.. એમ ઈશારો કરીએ એટલે તે ગેમે તેવા કુતરા સાથે લડવા તૈયાર થઇ જાય. અમે દિવસ માં ત્રણ થી ચાર વખત આવી લડાઈ કરાવતા અને તે લડાઈ દરમ્યાન લોકોની નાસભાગ જોઇને ખુબજ હસતા.
એક દિવસ એવું બન્યું કે અન્ય પોળના કુતરાઓ સાંજ સુધી દેખાયા નહિ. અમે બધા મુંજાયા કે ટોમીને કોના સાથે લડાવવો? અને એક દિવસ પણ પરાક્રમ કર્યા વગરનો જાય તો અમોને ચેન પડે નહિ એટલે મને એક તુક્કો સુજ્યો. મિત્રોએ પણ આ તુકકામાં સહમતી આપી. અમોએ ખોટે ખોટા અફવાહ ફેલાવી કે ટોમી કુતરો હડકાયો થયો છે! અમેજ સૌ પ્રથમ ટોમી પાછળ પથરાઓ લઈને દોડ્યા. ટોમી બિચારો આગળ દોડ્યો જાયને અમારી વાનરસેના પાછળ પથરાઓના ઘા કરતી દોડે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગામ માં એક કુતરું હડકાયું થયું છે. બસ પછી તો લોકોની નાસભાગ થવા લાગી. ટોમી પાછળ એક મોટું માણસોનું ટોળું દોડવા લાગ્યું.
છેવટે ટોમી ખુબજ થાકી ગયો. તે પરસેવે રેબઝેબ થઇ ગયેલો. મોમાંથી થૂક અને ફીણના ગોટા નીચે પાડવા લાગ્યા. સતત દોડવું અને મોંમાંથી ફીણનું પડવું જોઇને લોકોને ખાતરી થઇ ગઈ કે ટોમી હડકાયો જ થયો છે. ત્યારે એક જાડિયા મોટી મૂછો વાળા માણસે ટોમીના માથા પર લાકડીનો જોરદાર પ્રહાર કર્યો અને ટોમી ઉં.. ઉં.. ઉં.. કરતો ચકરી ખાતો જમીન પર ઢાળી પડ્યો. બીજો એક માણસ ટોમી ના શરીર પર ધારિયા વડે આડેધડ ઘા મારવા લાગ્યો અને અંતે ટોમીના રામ રમી ગયા.
ટોમીને મારી નખ્યો છે એવુ જાણ્યુ ત્યારે ગામ લોકોએ પણ હાશકારો અનુભવ્યો પણ મને તે રાતે ન તો જમવાનુ ભાવ્યુ કે ન ઉન્ઘ આવી! આજે પણ એ અપરાધ યાદ આવે છે ત્યારે ઉદાસી ઘેરી વળે છે.