ભાણી ફઈબા....

બહુ જેફ ઉંમરના,,, ઉંમર 75 ઉપર તો ખરી જ,,! સાવ એકલા રહે,, કહે છે કે તેમના છોકરાઓ વિદેશમાં છે,, વિધવા હશે એટલે એકદમ સફેદ સાડી પહેરે,, આ ઉંમરે પણ પોતાની રસોઈ જાતે બનાવે, સવારમાં વહેલા ઊઠીને, નાહી લે પણ ખરા,, ચૂલામાં છાણાં અને લાકડા નાખીને તેનો દેતવા કરી રસોઈ બનાવે,, શાકમાર્કેટ માંથી શાકભાજી પણ જાતે જ લઈ આવે,, તેમાં પણ વાસી જરા પણ ન ચાલે, દરરોજ થોડું થોડું તેમને ભાવતું શાક લઈ આવે,, હું મારા ઘર કરતાં આ ભાણી ફઈબા ના ઘરે વધારે રહેતો,,, તે સમયે મારી ઉંમર લગભગ દસ વર્ષ આસપાસ હશે,,, આ વાતને 50 વર્ષ ઉપર સમય વીતી ગયો,, પણ હજુ ય મારી નજર સમક્ષ,, ભાણી ફઈબા અને તેમનું જૂનું પુરાણું ઘર  તરવરે છે,, એક રૂમ અને રસોડું,, બંને જોઈન્ટ,, સાઈડમાં ટોયલેટ,, એના રૂમમાં દિવાલ ની અંદર માતાજીનો મોટો ગોખલો,,, આ ગોખલામાં માતાજી બિરાજમાન,, શ્રીફળ નું તોરણ,, અને રૂમની બરોબર વચ્ચે એક હિંડોળો,,,ભાણી ફઈબા હિંડોળે બેઠે બેઠા હીચકા ખાતા હોય,, મને પણ તેની બાજુમાં બેસાડે,, હીચકા ખાવાની તો બહુ મજા પડે,, ક્યારેક 10 પૈસાનો સિક્કો આપે અને કહે,"જા બુ,,બું,, પોપટીયા ની દુકાનેથી ગાંઠિયા લેતો આવ આપણે બંને નાસ્તો કરીએ,,, અને સાવ નજીક અમારી ગલીની સામે જ પોપટભાઈ કંદોઈની દુકાન આવેલી હું ત્યાં જઈને ગાંઠિયા લઈ આવું,, થોડા પોતે પણ ખાઈને થોડા મને પણ ખવડાવે,, આમ તો ભાણી ફઈબા દયાળુ ખરા પણ ફાટેલ મગજના !,, ગલીના કોઈપણ છોકરા ભાણી ફઈબા ને જોવે એટલે તોફાન કરતા બંધ થઈ જાય,! અને જો ભાણી ફઈબા તેમને તોફાન કરતા જોઈ ગયા તો તેમનો વારો પાડી દે,,!                         ભાણી ફઈબા ને સફેદ ડાઢી અને મૂછો ઉગતી હતી,,! મોટી મોટી આંખો,, બહાર બજારે જવું હોય ત્યારે હાથમાં લાકડી રાખવી પડે,, તે શાક માર્કેટ જાય ત્યારે પહેલા મારા ઘરે આવે,, જો હું ઘરે હોવ તો સાથે શાક માર્કેટ પણ લઈ જાય,, અને દુકાને હોવ તો દુકાને આવે,, જોકે તેમના ઘરેથી શાક માર્કેટ જવું હોય એટલે અમારી દુકાન વચ્ચે આવે,, ભાણી ફઈબા ને દૂરથી જોવે ત્યાં જ મારો મોટો ભાઈ જે થડે બેઠો હોય તે દૂરથી જોઈને જ મને કહે કે જો ,"ભાણી ફઈબા ચાલ્યા આવે છે,,, અને જો તેમને જોયા ન હોય અને દુકાને આવી જાય તો,, પ્રથમ તે દુકાનના ઓટલે બેસી જાય,, અને પછી ભાણી ફઈબા ને મોટો ભાઈ કહે કે "આ તમારા બૂ,,,બૂ,, ને લેતા જાવ" ને પછી તો એક હાથમાં લાકડી અને બીજો હાથ મારા ખભા ઉપર હું પણ ભાણી ફઈબા ની સાથે જતો શાકભાજી ખરીદવા,,,                                                                 ભાણી ફઈબા ના ઘરે જ ઘણી વખત રાત્રે હું સૂઈ જતો,, તો તે મારી બા ને કહી જાય કે બૂ,,બૂ,, ત્યાં હિંચકા ઉપર સૂઈ ગયો છે,, તો ચિંતા કરતી નહિ,, પછી બા થોડીવાર પછી મને ત્યાંથી તેડી જાય,, અમારી આ ગલી ગામની નાનામાં નાની ગલી,, ભાડુઆતમાં એક પશુ ડોક્ટર રહે,, બીજા શીશી ફઈબા,, અને બાઘુ બાપા,,, એક દિવસ અમે ત્યાંથી ભાડાનું મકાન બીજે ફેરવ્યું,, ત્યાંથી દૂર રાજગોર ફળિયામાં રહેવા જતા રહ્યા,,, થોડાક દિવસ તો હું ભાણી ફઈબા વગર જમતો નહીં,, એટલે મારી બા મને ભાણી ફઈબા ના ઘરે મૂકી જતા,,, ત્યાંથી ખાસું દૂર થાય પણ મારી જીદ પાસે બા નમતું મુકતા,,, કહે છે કે હું નાનો હતો ત્યારે બહુ જીદ્દીલો હતો,, પણ પછી તો હું ત્યાંથી બાલ મંદિરે જવા લાગ્યો,, અને ધીમે ધીમે ભાણી ફઈબા ને ભૂલી ગયો,,, એ વાતને આજે વર્ષો વીતી ગયા ને હજુ પણ ભાણી ફઈબા યાદ આવે ત્યારે મારી આંખો ભીંજાઈ જાય છે,,, આટલા વર્ષે પૂછવું પણ કોને કે ભાણી ફઈબા મને " બૂ,,બૂ,," કહીને કેમ બોલાવતા હતા? કારણ કે આજે ભાણી ફઈબા નથી , અને મારી બા અને કાકા  અને મોટો ભાઈ પણ હયાત નથી (ત્યારે મમ્મી પપ્પા  કહેવાની ફેશન નહોતી, અમે મમ્મીને બા અને પપ્પાને કાકા કહેતા,).  ભાણી ફઈબા જ્યાં હશે ત્યાંથી મારા ઉપર વહાલ વરસાવતા હશે જેની મને ખાતરી છે