આખુંય આકાશ (અછાંદસ કાવ્ય)


એક ઢળતી સાંજે
ઓસરી ના હિંડોળામાં
બેઠો બેઠો
રાહ જોઈ રહ્યો હતો
કાગડાની,,!
નાનો હતો ત્યારે બા કહેતી
આંગણે કાગડો બોલે તો
મહેમાન આવે
છેલ્લા ઘણા સમયથી
કાગડો દેખાતો નથી
તેનું શું?
કંટાળીને ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર
લાંબા પગ કરી ને
બેઠો નેટીવી ઓન કર્યું
પણ ઉદાસી અને કંટાળો
ક્યા પીછો છોડે છે?
ટીવી ઓફ કરીને
વિચારતો હતો કે
પહેલાના જમાનામાં
ટીવી,, કોમ્પ્યુટર લેપટોપ, કે મોબાઈલ
જેવા સાધનો નહોતાં
છતાં પણ નાનપણમાં કેવા ખુશ રહેતા!
થોડી ક્ષણોમાં
બારીમાંથી એક રંગબેરંગી
પક્ષી ચાંચમાં પાતળી સળી લઈને
મારા ડ્રોઇંગરૂમમાં ઉડવા લાગ્યું
રૂમમાં સન્નાટો હતો
ને પક્ષીએ રૂમને ટહુકાથી ભરી દીધું
આંખોમાં આકાશ ભરીને આવેલું આ પક્ષી
બીજી થોડી ક્ષણોમાં આકાશમાં 
વિહરવા ઉડી ગયું
હું મારી મુઠ્ઠીમાં આકાશ લઈને
હૃદયમાં ટહુકા ભરી
બહાર ટહેલવા નીકળી ગયો
કદાચ
પેલુ રંગીન પક્ષી
કોઈ એક ઝાડ ઉપર
મળી જાય,,,,,,,!,